Kissa Therapy - પ્લાસ્ટિક સર્જરી બાદ લોહી પાતળું કરવાની દવા આપવાનો નિર્ણય લેવાનો હતો…!!

  • Home
  • Kissa Therapy - પ્લાસ્ટિક સર્જરી બાદ લોહી પાતળું કરવાની દવા આપવાનો નિર્ણય લેવાનો હતો…!!
  • July 22, 2021

Kissa Therapy - પ્લાસ્ટિક સર્જરી બાદ લોહી પાતળું કરવાની દવા આપવાનો નિર્ણય લેવાનો હતો…!!

આ એક એવા દર્દીની વાત છે-જેમને સારવાર આપતા-આપતા મેં પણ ઇશ્વરને પ્રાર્થના કરેલી કે-આમને બચાવી લેજે… એમને મોઢાનું કેન્સર હતું. ઓપરેશનમાં નીચેનું આખું જડબું કાઢી લીધેલું અને પ્લાસ્ટિક સર્જરી કરેલી. પ્લાસ્ટિક સર્જરી પણ કાબિલે-તારીફ થયેલી. એમાં બ્લડ સરક્યુલેશન પણ બરાબર રીતે થઇ રહ્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં જ અચાનક ઓપરેશનનાં ચોવીસ કલાક પછી દર્દીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી-અમે તાત્કાલિક ઇસીજી અને કાર્ડિયોગ્રામ કઢાવ્યા તો ખબર પડી કે દર્દીને હાર્ટ એટેક આવ્યો છે. એમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. એન્જીયોગ્રાફી કરાવી અને બે સ્ટેન્ટ બેસાડ્યા. હવે અમારી પરીક્ષા શરૂ થઇ. એક ડોક્ટર તરીકે ઘણીવાર એવા નિર્ણયો લેવા પડતા હોય છે-જે તમે ક્યારેય ન લીધા હોય અને ભવિષ્યમાં લેવાનાં પણ ના હોવ. દર્દીને સ્ટેન્ટ બેસાડેલા એટલે લોહી પાતળું કરવાની દવા આપવી જરૂરી હતી-હવે પ્લાસ્ટિક સર્જરી થયા બાદ લોહી પાતળું કરવાની દવા આપે તો સર્જરી ફેઇલ જાય એવું હતું-પણ અમે નક્કી કર્યું કે-સૌથી પહેલા દર્દીને જીવન-મરણનાં સંઘર્ષ વચ્ચેથી બહાર કાઢી લઇએ. અમે લોહી પાતળું કરવાની દવા આપવાનું નક્કી કર્યું. આ અમે લીધેલું સૌથી મોટું રિસ્ક હતું. એટેકની તીવ્રતા વધારે હતી એટલે બ્લડ પ્રેશર પણ ઓછું રહેતું હતું. લગભગ ત્રણ દિવસ દર્દીનું બ્લડ પ્રેશર 70-80થી ઉપર ના આવે અને અમારી ચિંતાનો પારો નીચે ન ઉતરે. અમે સતત મોનિટરીંગ કરતા રહ્યા. એ ત્રણ રાત હું પણ બરાબર સૂઇ શક્યો નહીં. ત્રણ-ચાર દિવસ પછી માંડ-માંડ દર્દીનું બ્લડ પ્રેશર નોર્મલ થયું. નવાઇની વાત એ હતી કે-લોહી પાતળું કરવાની દવા આપ્યા હોવા છતાં દર્દીને ઇન્ટરનલ બ્લીડીંગ થયું ન્હોતું. પ્લાસ્ટિક સર્જરી પણ બચી ગઇ. ઓપરેશનનાં બારમા દિવસે પેશન્ટ ડિસ્ચાર્જ લઇને ઘરે ગયું ત્યારે મેં ઇશ્વર તરફ બે હાથ જોડી દીધેલા.

ઘણીવાર આવી પરિસ્થિતિઓ ઊભી થઇ જતી હોય છે. જ્યારે તમારા શરીરનાં બે અંગમાં એક સાથે તકલીફ ઊભી થાય ત્યારે ડોક્ટર માટે સારવારનો નિર્ણય અઘરો થઇ જતો હોય છે. આવા સમયે ગભરાયા વિના તમારે તમારા ડોક્ટર પર અને મેડિકલ સાયન્સ પર ભરોસો રાખવો જોઇએ. આજે આ દર્દીને કેન્સર સારું થઇ ગયું છે અને અત્યારે એમને કોઇ જ કોમ્પ્લિકેશન્સ નથી.

 

https://www.youtube.com/watch?v=J7qUGn-BirM